વચનામૃત ગઢડા મધ્યનું - ૫૯
સંવત ૧૮૮૧ના શ્રાવણ સુદિ ૧૨ દ્વાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની ઓસરીએ ઢોલિયા ઉપર ઉગમણે મુખારવિંદે વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) ચાર વેદ, પુરાણ, ઇતિહાસ એ સર્વેમાં એ જ વાર્તા છે જે ભગવાન ને ભગવાનના સંત એ જ કલ્યાણકારી છે અને ભગવાનના જે સાધુ છે તે તો ભવ-બ્રહ્માદિક દેવ થકી પણ અધિક છે. તે ભગવાન કે ભગવાનના સંતની જ્યારે પ્રાપ્તિ થઈ ત્યારે એ જીવને એથી ઉપરાંત બીજું કોઈ કલ્યાણ નથી; એ જ પરમ કલ્યાણ છે અને ભગવાનના સંતની સેવા તો બહુ મોટા પુણ્યવાળાને મળે છે પણ થોડા પુણ્યવાળાને મળતી નથી, માટે ભગવાનના સંત સાથે તો એવું હેત રાખવું જેવું હેત સ્ત્રી ઉપર છે કે પુત્ર ઉપર છે કે માબાપ ને ભાઈ ઉપર છે તેવું હેત રાખવું તો એ હેતે કરીને જીવ કૃતાર્થ થઈ જાય છે. (૧) અને પોતાનાં જે સ્ત્રીપુત્રાદિક હોય તે તો કુપાત્ર હોય ને કુલક્ષણવાળાં હોય તોપણ કોઈ રીતે તેનો અવગુણ એ જીવને આવતો નથી અને જે ભગવાનના ભક્ત હોય તે તો સર્વે રૂડે ગુણે કરીને યુક્ત હોય, પણ જો તેણે લગારેક કઠણ વચન કહ્યું હોય તો તેની આંટી જીવે ત્યાં સુધી મૂકે નહીં. એવી જેની વૃત્તિ છે તેને તો જેવું પોતાના સંબંધી ઉપર હેત છે તેવું તે ભગવાનના ભક્ત ઉપર કહેવાય જ નહિ, ત્યારે એનું કલ્યાણ પણ થાય નહીં. (૨) અને સંતનો મહિમા તો પ્રથમ કહ્યો એવો મોટો છે તે સંતની ને ભગવાનની પ્રાપ્તિ થઈ છે તોપણ કોઈકને એમ ડગમગાટ રહે છે જે મારું કલ્યાણ થાશે કે નહિ થાય, તેનું શું કારણ છે ? તો એ જીવને પૂર્વજન્મને વિષે ભગવાન કે ભગવાનના સંતની પ્રાપ્તિ થઈ નથી ને તેમની સેવા પણ તેણે કરી નથી; એને તો આ જન્મમાં જ નવો આદર છે તે આગલા જન્મમાં ફળશે અને જેને પૂર્વજન્મમાં ભગવાનની કે ભગવાનના ભક્તની પ્રાપ્તિ થઈ હશે તથા તેમની સેવા કરી હશે તેને તો આ જન્મમાં ભગવાન કે ભગવાનના ભક્તમાંથી હેત મટે જ નહિ અને નિશ્ચયમાં પણ ડગમગાટ થાય નહિ, અને કામ, ક્રોધ, લોભ સંબંધી ઘાટ તો કદાચિત્ રહે. પણ ભગવાનનો નિશ્ચય તો કોઈ રીતે મટે નહીં. તે કોઈકને વચને કરીને ન મટે એમાં શું કહેવું ? એને તો જો પોતાનું મન ડગમગાટ કરાવે તોપણ ડગમગાટ થાય નહિ, અને તેની દૃઢતા તો જેવી નાથભક્તની છે કે જેવી વિષ્ણુદાસની હતી કે જેવી હિમરાજશાહની હતી કે જેવી કાશીદાસને છે કે જેવી ભાઈચંદશેઠને હતી કે જેવી દામોદરને છે એવી દૃઢતા હોય ત્યારે જાણવું. જે આ પૂર્વજન્મનો ભગવાનનો ભક્ત છે. (૩) ઇતિ વચનામૃતમ્ ।।૫૯।। (૧૯૨)
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે અમે તથા અમારા સંત કલ્યાણકારી છીએ અને અમારા સાધુ ભવ-બ્રહ્માદિક દેવથી અધિક છે અને અમારી કે અમારા સંતની પ્રાપ્તિ થાય એ જ પરમ કલ્યાણ છે ને અમારા સંતની સેવા ને તેમાં હેત કરવાથી જીવ કૃતાર્થ થાય છે. (૧) અને અમારા સંત કોઈકને કઠણ વચન કહે તેની આંટી મૂકે નહિ તેને અમારા ભક્ત ઉપર હેત છે જ નહીં. (૨) અને જેને પૂર્વજન્મમાં અમારી કે અમારા સંતની પ્રાપ્તિ થઈ હશે અને તેમની સેવા કરી હશે તેને આ જન્મમાં અમારે ને અમારા સંતને વિષેથી હેત મટે જ નહિ; અને અમારા નિશ્ચયમાં પણ ડગમગાટ થાય જ નહિ; ત્યાં ભક્તોનાં નામ આપ્યાં છે. (૩) બાબતો છે.
૧ પ્ર. પહેલી બાબતમાં અમારા સાધુ ભવબ્રહ્માદિકથી અધિક છે એમ કહ્યું તે ભવબ્રહ્મા તો વૈરાજ થકી ઉત્પન્ન થયા છે, તેથી અધિક જાણીએ તો વૈરાજ જેવા થયા, અને (છે. ૨/૨માં) આ સત્સંગીની સભા જેવી કોઈ ધામમાં સભા જ નથી એમ કહ્યું છે તે એમ જોતાં તો મૂળઅક્ષરાદિક સર્વ થકી સંતનો મહિમા વિશેષ થયો અને (મ. ૨૨ના ૩/૫ ત્રીજા પ્રશ્નમાં) રાણીની ઉપમા આપી છે અને (પં. ૭માં) પણ અમે ને અમારા મુક્તો અમારા ધામને વિષે અતિશે પ્રકાશે યુક્ત છીએ અને (પ્ર. ૬૩ના ૩/૪ ત્રીજા પ્રશ્નમાં) પણ એમ જ કહ્યું છે અને (મ. ૬૭માં) પોતાના સરખા કહ્યા છે તે પરસ્પર વિરોધ આવે છે માટે આ ભવબ્રહ્મા કિયા સમજવા ?
૧ ઉ. આ ઠેકાણે મૂળપુરુષને બ્રહ્મા કહ્યા છે અને મહાકાળને ભવ કહ્યા છે અને તેથી બ્રહ્મકોટિ ને મૂળઅક્ષરકોટિ તેમને આદિ શબ્દથી જાણવા તે સર્વેથી અમારા સંત અધિક છે એમ શ્રીજીમહારાજે કહ્યું છે.
૨ પ્ર. અમારા સંતની સેવા બહુ મોટા પુણ્યવાળાને મળે છે એમ કહ્યું તે પુણ્ય કિયું જાણવું ? અને હરિભક્તોની દૃઢતા વખાણી તે કિયા કિયા ગામના હતા ?
૨ ઉ. ત્રીજી બાબતમાં પૂર્વજન્મને વિષે શ્રીજીમહારાજની અથવા સંતની એટલે મુક્તની સેવા કરી હોય તેને જ બીજે જન્મે એમની સેવા મળે છે, પણ બીજે કોઈ સાધને કરીને સેવા મળતી નથી એમ કહ્યું છે માટે પૂર્વની સેવા તે પુણ્ય જાણવું અને નાથભક્ત કણભાના પાટીદાર હતા અને વિષ્ણુદાસ ડભાણના પાટીદાર હતા. હિમરાજશાહ સુંદરિયાણાના વણિક હતા. કાશીદાસ બોચાસણના પાટીદાર હતા. ભાઈચંદ શેઠ સુરતના વણિક હતા. દામોદરભાઈ અમદાવાદના પાટીદાર હતા. ।।૫૯।।